02
ફેબ્રુવારી
11

પંડિત ભીમસેન જોશી

‘‘આપ એક ચમચ ઘી કે લિએ ઘર સે ભાગ ગયે થે ?’’
‘‘અરે ભાઈ ! ભાગ તો જરૂર ગયા થા. ઘી તો એક બહાના થા ! કુછ ના કુછ કરના જરૂરી થા. જાને કા પક્કા કિયા થા. મા સે ઝગડા કર કે નિકલ ગયા થા.
ગદગ મેં ગાના શિખને કા કુછ નહિ થા. વહાં એક પ્રાઇમરી ટીચર શરુ કા સારેગમ શિખાતા થા.
મેં ૧૧ સાલ કા થા તબ ગુરુ કે ગરુ કી રેકર્ડ સુનતા થા. જોગિયા ઔર બસંત રાગ સુનતા થા તબ તય કર લિયા કિ ગાના તો ઐસા હી આના ચાહિયે.
તો મેં ઘર સે ભાગ ચલા. ગ્વાલિયર કા નામ સુના થા.
જેબ મેં પૈસા ન થા. વિધાઉટ ટિકિટ ટ્રાવેલિંગ !
બિના ટિકિટ રેલ્વે મેં બૈઠ ગયા ! મરાઠી ટિકિટ ચેકર ગાને કા શોખિન થે. પંડિતરાવ નગરકર કે ઔર નારાયણ વ્યાસ કે મરાઠી રેકર્ડ ઇમિટેટ કરતા થા ઔર બચ જાતા થા. કોઈ બેસૂરા મિલ જાતા થા તો જેલ મેં ડાલ દેતા. દો મહિને કે બાદ ગ્વાલિયર પહુંચા. વહાં સ્ટેટ કી તરફ સે ગાના શીખને વાલો કો એક ટાઇમ કા ખાના મફત મિલતા થા. ગ્વાલિયર મેં સંગીત શીખા.
આગે શીખને કે લિએ મૈં કલકત્તા ચલા ગયા. ગાને કા એટ્મોસ્ફિઅર હૈ. વહાં પહાડી સન્યાલ કે પાસ નોકર બન રહ ગયા. ઘર કા કામ કરને કા ઓર ખાના મિલ જાતા થા. ઉનકા ગાને કા રિહર્સલ સુનતા થા.’’


કર્ણાટકના રોન તથા ગદગ ગામમાં અનેક મંદિરો. સ્થાપત્ય અને શિલ્પકળાનાં ઉતમ નમૂના સરીખા ગદગ શૈલીથી ઓળખાતાં ત્રિકુટેશ્વરનાં મંદિરો. એમાં વિશિષ્ટ એવું એક સરસ્વતી મંદિર આજે પણ ટૂરિસ્ટોનું આકર્ષણ છે. એક નાનો બાળ રોજ આ મંદિરમાં જઈ સરસ્વતીદેવીની મૂર્તિ સામે હાથ જોડી ઊભો રહેતો. એ જાણે દેવીના હાથમાંની વીણાનાં સૂર કાન દઈને સાંભળતો અને દૈવી સંગીતની કાલ્પનીક દુનિયામાં ખોવાઈ જતો. સરસ્વતીદેવીનું વરદાન પામેલો આ બાળક ભવિષ્યમાં પંડિત ભીમસેન જોશી નામે વિશિષ્ટ શાસ્ત્રીય ગાયન શૈલીનો પર્યાય બનવાનો હતો.
આજથી બરાબર ૮૯ વર્ષ પહેલાં સન ૧૯૨૨ની ૪થી ફેબ્રુઆરીએ ગદગ પાસેના રોન નામના નાના ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં પંડિત ભીમસેન જોશીનો જન્મ થયેલો. પિતા ગુરુરાજ સામાન્ય શિક્ષક હતા. ૧૬ ભાઈ બહેનોમાં સૌથી વડેરો તે ભીમ. ભીમ મોટો થઈને ખૂબ ભણીને ડૉક્ટર કે ઇન્જિનિયર બને એવી પિતા ગુરુરાજની મહેચ્છાથી વિપરિત, શાળાના અભ્યાસ પ્રત્યે દુર્લક્ષ કરનાર ભીમ નાનપણથી જ સંગીતનો ભારે રસિયો હતો. એક વાર વરઘોડાના બેન્ડવાજાની ધૂનથી આકર્ષાઈને ભીમે તેની પાછળ ચાલ્યા કર્યું અને પછી થાકીને એક ઓટલા પર ઊંઘી ગયો, જ્યારે ઘરમાં ને મહોલ્લામાં શોધખોળ ચાલી ત્યારે કોઈ એને ઉંચકીને ઘરમાં લઈ આવ્યું ! ભીમના દાદા કિર્તનકાર હતા. દાદાનો એક તાનપુરો ક્યાંક ખૂણામાં પડેલો તે શોધી તેમાં તાર સરખા કરી તેના પર હાથ અજમાવવાની શરૂઆત કરી. ભજન અને અભંગ ગાયકીનાં સંસ્કાર ત્યાંથી જ જન્મ્યા હશે. અને ગામની મસ્જિદમાંથી સંભળાતા ‘આજાન’નાં સ્વરોએ એમની બેનમૂન આલાપ ગાયકીના બીજ રોપ્યા હશે. નાની વયે ભીમે મા ગુમાવી અને અપર માનું શાસન આવ્યું, અને ‘ચમચી ઘી’ વાળો પ્રસંગ બન્યો.
ઘર છોડ્યું. સંગીતની દીક્ષા મળે એવા ગુરુની શોધ હતી. વય હતી ફક્ત ૧૧ વર્ષની. એ કાંઈ ઉંમર કહેવાય કાંઈ બનવાની ? પરંતુ મનમાં ચેન ન હતું. રટણ હતું મનથી માનેલા ગુરુએ ગાયેલ રાગ ઝિંઝોટીની ખ્યાત ચીજ ‘‘પિયા બિન નાહિ આવત ચૈન’’નું. ગાવું તો આવું જ ગાવું ! આ તલાશ હતી. સંગીતની તલપ હતી. યોગ્ય ગુરુની શોધમાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા. એક શહેરથી બીજે શહેર ભટકીને યોગ્ય સંગીત તો ન મળ્યું પણ પરિશ્રમી જીવનનું ઘડતર આ સફરમાં જ થયું. બાળક ભીમ હવે કિશોર થયો હતો. પિતા ગુરુરાજ પણ ભીમની શોધમાં રઝળપાટ કરીને છેવટે જલંધર શહેરમાં પહોંચ્યા અને ત્યાં ભીમ મળ્યો. એની અડગ લગનની હવે પ્રતીતિ થઈ હતી. પિતા તેને યોગ્ય ગુરુ પાસે લઈ ગયા.

સન ૧૯૩૬માં દ્દઢ નિર્ધાર કરીને ભીમ શિષ્ય બન્યા રામભાઉ કુંદગોલકરનાં, જેને આપણે સવાઈ ગંધર્વનાં નામથી ઓળખીએ છીએ. સવાઈ ગંધર્વને ત્યાં રહી સંગીત શીખવાનું કામ આસાન ન હતું. ઘર વપરાશ માટે દૂર દૂરથી પાણી લાવવું પડતું. વહેલી સવારે ઊઠીને ચૌદ વર્ષનો ભીમ માથા પર ઘડો લઈને એક માઈલ દૂરથી પાણી ભરી લાવતો હતો. બે વર્ષ સુધી સંગીતની કોઈ શિક્ષા મળી નહીં અને એણે ઘરકામ કરવું પડ્યું. જો કે ભીમને આ અથાક પરિશ્રમ જરા પણ કઠિન લાગતો ન હતો. મનમાં ધૂન હતી સંગીત શીખવાની. નાનપણમાં સાંભળેલી સવાઈ ગંધર્વના ગુરુ અબ્દુલ કરીમ ખાં સાહેબની રેકર્ડ મનમાં સતત યાદ રહેતી હતી. એ દરમિયાન ‘ગંધર્વ’ સંગીત સાંભળવા તો મળતું જ.

૦૦૦
ભીમામાંથી ભીમસેન બનીને ૧૯ વર્ષની વયે સન ૧૯૪૧માં પ્રથમવાર જાહેરમાં ગાવાનો મોકો મળ્યો. એમના સંગીતની રેકર્ડ પણ બની. એક એવો અવાજ કે જે ઘેરા અને ઘૂંટાયેલા સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતો. ગદગના સરસ્વતી મંદિરનાં કાલ્પનીક સ્વરો હવે સાકાર થતા હતા. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ગાવાનું નિમન્ત્રણ મળવા લાગ્યું. એમની ગાયકીમાં લાગતાં વાદ્ય અને સંગતકાર સાજીંદાઓને સાથે ફેરવવા માટે ભીમસેને એક મોટી કાર ખરીદી. હૈદરાબાદ, પુના, રાયપુર, ભિલાઈ અને મુંબઈ સુધી ભીમસેનની ગાયકીના સૂર લગાતાર રેલાવા લાગ્યા. આમ દોડાદોડીમાં ભીમસેને કાર ચલાવવાનું કુશળતાથી શીખી લીધું. ગાયનનાં શોખની સાથે સાથે કાર ચલાવવાનો શોખ પણ જામ્યો. અરે ! કાર રિપેર કરવાનું નાનું મોટું કામ પણ સ્વયં પોતે કરી લેતાં. સ્વરના ત્રણ સપ્તકની જેમ એમનું કાર ડ્રાઈવિંગ પણ છેક દ્રુત સ્પીડ પકડતું ત્યારે સાથીઓના જીવ ઊંચા થઈ જતાં. પછી તો તેમની સંગીત ઉડાન એટલી ઝડપભરી થઈ ગઈ કે તેઓને પ્લેઈનની સફર કરવી પડતી. હવે તેઓ ‘ફ્લાઈંગ મ્યુઝિશિયન ઓફ ઈન્ડિયા’ કહેવાવા લાગ્યા ! યુવાન વયમાં ભીમસેન કુશળ તરવૈયા હતા, યોગ તથા ફુટબોલની રમત પ્રત્યે લગાવ હતો. સુરના આ સાધકને સુરાનો પણ બેહદ શોખ હતો. પરંતુ જ્યારે લાગ્યું કે આ શોખ લતમાં પરિણમીને પોતાની કારકિર્દીનું હનન કરે છે ત્યારે સન ૧૯૭૯માં એ શોખ તજી દીધો હતો.

પોતાને સંગીત શીખવનાર ગુરુ પ્રત્યેની અપાર શ્રદ્ધા વ્યક્ત કરવા તેમણે પુણેમાં ‘સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવ’ની સન ૧૯૫૩માં, ગુરુની પ્રથમ મૃત્યુ તીથીએ, શરૂઆત કરી ત્યારથી આજ પર્યંત એ સંગીત મહોત્સવ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે. એ સમયનાં શ્રોતાઓએ ગાયક ભીમસેનને સામાન્ય કાર્યકર્તાની જેમ શ્રોતાઓને નિમન્ત્રણ પહોંચાડવાનું કામ કરતાં અને શ્રોતાઓ માટે જાજમ પાથરતાં જોયા છે.
૦૦૦
એક દમદાર અવાજ, શ્વાસનું અજબ નિયંત્રણ, સંગીતની ઊંડી સમજ, ત્રણેય સપ્તકમાં થતી આવન–જાવન, અને શબ્દની સ્પષ્ટ ધારદાર રજુઆત ભીમસેન જોશીની ગાયકીને શાશ્વત બનાવે છે. રાગ તિલકકામોદની તેમની રચના ‘‘તિરથ કો સબ કરે, દેવ પૂજા કરે; વાસના નવ મરે, કૈસે કો ભવ તરે’’માં ઢોંગી ભક્તોને ચાબખા જ મારે છે. તો બિહાગ રાગની મસ્તીભરી રચના ‘‘લટ ઉલઝી સુલઝા જા બાલમ’’ સાંભળતાં શૃંગાર રસ છલોછલ છલકાય છે. રાગ જોગિયાની ઠુમરી ‘‘પિયા મિલન કી આસ રી’’માં વિજોગની આરત સંભળાય છે. ભક્તિભાવથી ભર્યા ભજનો કે અભંગો આ સંસારની નિરર્થતા સમજાવતાની સાથે અંતરમાં વૈરાગ્યનાં મંડાણ કરાવે છે. રાગ કલાવતી અને રાગેશ્વરીનાં સંયોજનથી તેમણે નવો રાગ કલાશ્રી બનાવ્યો તેની ચીજ ‘‘ધન ધન મંગલ ગાવો’’ પણ બેનમૂન છે. એમના શબ્દો – ‘અસંભવ કો સંભવ બનાને કી આશા થી’ એ સાર્થક થયા. પંડિત ભીમસેન જોશીના ટિકાકારો પણ એમની ગાયકીની તારીફ કર્યા વિના રહી શકતા નથી.
સ્વાભાવિક છે, ‘લિવિંગ લેજન્ડ’ સમા આ મહાન ગાયકને અઢળક માન–ચાંદ મળે. સન ૧૯૭૨માં પદ્મશ્રી, ’૮૫માં પદ્મભુષણ, ’૯૯માં પદ્મવિભુષણ, અને ૨૦૦૮માં ભારતરત્ન; આમ આપનારને પણ આપ્યા પછી ઓછું અપાયાનો ક્ષોભ થાય ને વધુ આપવાનો ઉલ્લાસ આવે એવા સન્માન તેઓ પામ્યા છે. સન ૨૦૦૯માં તેમને ‘લાઇફટાઇમ એચીવમેન્ટ એવૉર્ડ’ મળ્યો. આ ઉપરાંત અનેક સંસ્થાઓના તથા વિવિધ પ્રાંતોની ગવર્નમેન્ટના અનેક એવૉર્ડો તેમણે મેળવ્યા છે. સૌથી વિશેષ તો તેમણે રસિક શ્રોતાઓના હૃદયમાં શાશ્વત સ્થાન મેળવી સુરની સાથે સુર મેળવી લીધા છે ! શાસ્ત્રીય ગાયકીનો અખૂટ ભંડાર આપણને સૌને વારસામાં આપી પંડિત ભીમસેન જોશી આ ફાની દુનિયા છોડી અનંતની યાત્રાએ નીકળી પડ્યા છે. જળમાં બોળેલી આંગળી કાઢી લીધી અને જળમાં કશી નિશાની પણ ન રહી એવું આ કલાકારમાં બન્યું નથી.
(લેખક – રમેશ બાપાલાલ શાહ)

–– આ લેખ ‘શબ્દસૃષ્ટિ’ માર્ચ/૨૦૧૧ અંકમાં પ્રસિદ્ધ થયેલો છે.

Advertisements

1 Response to “પંડિત ભીમસેન જોશી”


  1. ફેબ્રુવારી 3, 2011 પર 2:08 પી એમ(pm)

    Our sweet memories- In 1981 my husband and I organized a concert in Orange county, near Anaheim, California. It was an emotional experience for us. For Dilip, Bhimsen Joshi’s music was like every day prayer. Bhimsenji’s group of six people stayed with us for five days. There was one concert in an auditorium and one at our house. We met him again after almost ten years and he said, “Yes, Dilip Parikh, I remember, I sang Bridaavani Sarang at your house.”
    Saryu Dilip Parikh
    http://www.saryu.wordpress.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,196 hits

સંગ્રહ

ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28  
Advertisements

%d bloggers like this: